કેવી રીતે બન્યો કાગળ ? જાણો કાગળ નો ઈતિહાસ

AVvXsEieaVuVzjLJJS tuxiYYEH3DJUNbwXcgCYjtq pOspHdiMUMkRtaAVRrl8w iQOuXBOIYIlcB9B1q4mYRCi6C7a44PAgqLZ Ls9jP1V5YASF51NwTLl9ERwrd3SHd36Mf8DgE3W0LOJxbVUgqNgAdZuWiWVDXxqBd6JXY9VLUHR7C Qqv5Ic8W pAs9iA=w640 h334

માનવના રોજબરોજના જીવન સાથે એવી અનેક ચીજવસ્તુઓ જોડાયેલી છે જેનું મહત્ત્વ આમ તો ખાસ નોંધનીય નથી હોતું. છતાં જે તે વસ્તુ કે સાધનની બાદબાકી કરીએ તો જીવનની કલ્પના કરવી જરા અઘરી થઈ પડે.

આવી જ એક વસ્તુ છે કાગળ. પુરાતત્ત્વ અવશેષોનો અભ્યાસ કહી આપે છે કે માનવ અનાદિકાળથી પોતાની લાગણીઓ અને જ્ઞાનને અભિવ્યક્ત કરવાનું ચૂક્યો નથી.

તેણે પોતાના વિચારોને ક્યારે શીલાલેખ પર, હસ્તપ્રતો પર અને ક્યારેક કાપડ પર ઉતાર્યા છે. આજે પણ આવા શીલાલેખ અને હસ્તપ્રતો પુરાતત્ત્વ શાખામાં માનવના ભૂતકાળને ઉકેલવામાં મદદરૂપ બની રહ્યા છે. પરંતુ જો તે સમયે કાગળ ઉપલબ્ધ રહ્યા હોત તો આપણે તે જ્ઞાનને વધુ ઝડપથી ઉકેલી શક્યા હોત.

21 મી સદીમાં પહોંચેલી આજની દુનિયા મોટે ભાગે ટેક્નોલોજી પાછળ ઓતપ્રોત છે. મોબાઈલ પર એસએમએસથી માંડીને ઇ-મેલ, ચેટિંગ અને હવે તો બ્લોગ પણ મુક્ત અભિવ્યક્તિનું સરળ માધ્યમ બન્યા છે. એક મોટો વર્ગ ઊભો થયો કે જે અભિવ્યક્તિ માટે માત્ર ને માત્ર કોમ્પ્યુટર પર આધાર રાખતો થયો છે. તેમની માટે કદાચ કાગળ વિતેલી સદીની વાત છે.

જોકે આ વાત એક ચોક્કસ વર્ગ-સમૂહ પૂરતી મર્યાદીત છે. જ્યારે બાકીના તમામ વર્ગ પછી તે ગરીબ હોય કે ધનીક તમામ માટે કાગળ એ જીવનની રોજિંદી જરૂરિયાત છે. અભ્યાસમાં પુસ્તકોથી માંડીને ઘરમાં નાના-નાના બીલ અને મહત્ત્વના કાગળ આપણા માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. એમ પણ કહેવાય છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં હવા, પાણી, ખોરાક, રહેઠાણ અને કાપડ પછી કાગળને મૂકી શકાય.

કાગળ બનાવવાનાં યંત્રો દિવસ રાત ધમધમતા રહે છે. કાગળ ઉદ્યોગને મંદીની અસર ભાગ્યે જ થઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કાગળ બનાવવાનું એક આધુનિક મશીન ચોવીસ કલાકમાં ૮૦૦ કિલોમીટર લાંબો અને ૬ મીટર પહોળો કાગળ તૈયાર કરી શકે છે.

કાગળનો ઇતિહાસ

કાગળનો ઇતિહાસ ૨૦ વર્ષથી પણ જૂનો છે. ૨ હજાર વર્ષ પૂર્વે ચીનમાં ત્સાઈ-લુન નામની વ્યક્તિએ સૌ પ્રથમ કાગળ બનાવ્યો હોવાનો ઉલ્લેખ છે. કાગળને અંગ્રેજીમાં પેપર ડદ્ર કહે છે. આ શબ્દ ’પેપીરસ’ નામની વનસ્પતિ પરથી ઊતરી આવ્યો છે. આ પેપીરસ પાણીમાં ઊગતી વનસ્પતિ છે.

આજે પણ નદીના કિનારે તે ઊગે છે. પેપીરસની છાલ ઉતારીને તેના આડી અને ઊભી ગોઠવવામાં આવતી અને તેને ટીપીને સપાટ પડ બનાવવામાં આવતું. જેને સૂકવીને કાગળ જેવો પદાર્થ તૈયાર કરવામાં આવતો. કાગળના આ સ્વરૂપને વર્ષો સુધી ગ્રીસ અને રોમના લોકોએ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે વાપર્યું.

જોકે કાગળ બનાવવાની કળાની સાચી શોધ ચીનમાં થઈ હતી. ઈ.સ. ૧૦૫માં ત્સાઈ લુન નામના માણસે તેના વિશે સત્તાવાર માહિતી આપી હતી.

અગાઉ સેતુર વૃક્ષની છાલમાંથી અથવા તો વાંસમાંથી બનાવવામાં આવ્યો હતો તેવું મનાય છે. આજે જે કાગળ બનાવવામાં આવે છે તે ચીનમાંથી પરાપર્વથી ઊતરી આવેલી પદ્ધતિને અનુરૂપ છે.

હાથ કાગળની બનાવટમાં તો તે પદ્ધતિ હૂબહૂ ચાલતી આવી છે. વાંસમાંથી ચીપો કાપી તેની વય મુજબ જુદી પાડી તેના ભારા બનાવવામાં આવતા. વાંસ જેમ ઓછી વયનો તેમ તેની નાજુકતા વધુ સારી. આ વાંસના ભારાઓને કાદવના પાણીમાં પંદર દિવસ સુધી કહોવડાવામાં આવતા જેથી તે પોચા થતા.

તેમને ફૂટી તેનો માવો બનાવવામાં આવતો. તેમાંથી કઠણ અને ખરબચડા ટુકડા જુદા પાડવામાં આવતા અને માવાને પાણીના પીપમાં નાખવામાં આવતો. ત્યારબાદ આ પાણીને હલાવી માવા અને પાણીનું ઘટ્ટ મિશ્રણ એક ચારણા પર રેડવામાં આવતું.

જેથી પાણી ચારણાનાં છિદ્રોમાંથી નીતરી જતું અને માવાનું પડ ચારણાના તિળયે પથરાઈ જતું. બાદમાં ચારણાને હલાવી માવો સરખી રીતે તળિયા પર પથરાઈ ગયા પછી તેના પડને થોડું સૂકવવામાં આવતું. સુકાઈ ગયા બાદ કાગળના પડને ઉખાડી એક પતરા ઉપર થાપવામાં આવતું.

અગાઉથી ગરમ એવા આ પતરાને કારણે કાગળમાંની ભીનાશ ઊડી જતી અને સુકો કાગળ તૈયાર થતો. તેના પર ફટકડી ઘસવામાં આવતી જેથી તે લીસો બનતો. આ માટે ગોળ લીસા પથ્થરોનો ઉપયોગ પણ કરવામાં આવતો.

યુરોપમાં સૌ પ્રથમ કાગળ બનાવનાર સ્પેનના મુર લોકો હતા. ઈ. સ. ૧૦૮૫માં ટોલેડો નગરમાં તેમણે કાગળ બનાવવાની મિલ સ્થાપી. ત્યારબાદ બીજી એક મિલ વેલેન્શિયામાં સ્થાપી. આ પછીના થોડા જ સમયમાં ફ્રાન્સમાં એસોન્સ પાસે કાગળની એક મિલ ઊભી થઈ.

તે સમયે ફ્રાન્સની પ્રજા યુરોપના અન્ય દેશોની પ્રજાની સરખામણીએ ઘણી આગળ હતી. તેમણે કાગળની માગ પોતાના દેશ પૂરતી જ નહીં પરંતુ અન્ય દેશોની માગ પણ પૂરી કરવા માંડી. ઇટાલીમાં કાગળ બનાવવાની કળા ઈ. સ. ૧૨૦૦ ના અરસામાં સ્પેનમાંથી આવી.

તેરમી અને ચૌદમી સદીની મધ્યમાં, ઇટાલીના કાગળ બનાવનારાઓએ કાગળમાં વૉટરમાર્ક મૂકવાની શરૂઆત કરી. આ વૉટરમાર્ક ચિહ્ન ઉપર તે સમયે કાગળ બનાવનારનું નામ, તેનું સ્થળ અથવા કોઈ ઐતિહાસિક પ્રસંગનું આલેખન કરવામાં આવતું. જર્મનીમાં કાગળ બનાવવાનું કારખાનું ઈ. સ. ૧૩૩૬માં શરૂ થયું. ફ્રાન્સમાંથી આ કળા જર્મનીમાં ગઈ હોવાનું મનાય છે.

ભારતમાં કાગળ બનાવવાની કળા નેપાળમાંથી ઈ. સ. ૧૦૦૦ના સમયમાં પ્રવેશી હોવાનું મનાય છે. નેપાળમાં તે કળા ચીનમાંથી સાતમી સદીમાં આવી હતી. કારણ કે ત્યારે નેપાળમાં ચીનની સંસ્કૃતિએ ઊંડી છાપ પાડી હતી. મહાઉ નામનો ચીની દુભાષિયો ઈ. સ. ૧૪૦૬માં બંગાળમાં આવ્યો.

તેણે લખ્યું છે કે બંગાળી લોકો વૃક્ષની છાલમાંથી કાગળ બનાવતા હતા અને તે કાગળ મૃગચર્મ જેવો લીસો અને ચળકાટ વાળો હતો. આમ કાગળનો ઉદ્યોગ સૌથી જૂનામાં જૂનો ઉદ્યોગ ગણાય છે. એક સમય હતો ત્યારે સૌથી સમૃદ્ધ અને વિકસિત અમેરિકા વિશ્વના અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ કાગળનો વપરાશ કરતું.

કાગળનું બંધારણ

કાગળએ મુખ્યત્વે કેશ જેવા બારીક રેષાઓની પરસ્પર એવા પ્રકારની ગૂંથણી છે કે જેની સપાટી એક સરખી દેખાય છે. તમે કાગળને ફાડીને જોયો હશે, તેની ધાર આગળ જે ઝીણાં તંતુઓ દેખાય છે તે દરેક કાગળના બંધારણમાં રહેલા હોય છે. પુસ્તકના એકાદ પાનામાં આવા લગભગ ૫૦થી ૬૦ લાખ તંતુઓ રહેલા હોય છે.

આ તંતુઓ અને રેષાઓ કાગળ જેમાંથી બનાવાયેલો હોય તે વનસ્પતિના હોય છે. આથી જો તમારે કાગળનો અભ્યાસ કરવો હોય તો આ વનસ્પતિના તંતુઓના ગુણધર્મોનો અભ્યાસ કરવો પડે. આ તંતુઓ એકબીજાથી લંબાઈ, પહોળાઈ વગેરેમાં જુદા પડવા છતાં સામાન્યપણે બંધારણમાં સરખું સામ્ય ધરાવે છે.

કોઈ પણ વનસ્પતિમાં તંતુઓનું કાર્ય સરખું જ હોય છે. અર્ધપારદર્શક પોલી નળીઓ જેવી તેમની આકૃતિ હોય છે. પહોળા પાન ધરાવતાં વૃક્ષમાં તેઓની લંબાઈ ૧-૨ મિલિમીટર હોય છે જ્યારે શંકુદ્રુમમાં તેમની લંબાઈ ૩.૬ મિલિમીટર હોય છે. તેમજ સરેરાશ પહોળાઈ અનુક્રમમે ૦.૧ અને ૦.૨૭ મિલિમીટર હોય છે.

કાગળ બનાવવા માટે એક ઉત્તમ પદાર્થમાં જેની ગણના થાય છે તે એસ્પાર્ટી નામના ઘાંસના તંતુઓ ૧.૫ મિ.મિ લાંબા અને ૦૦૧૨ મિ.મિ પહોળા હોય છે.

હવે જોઈએ કે કાગળનાં બંધારણમાં મુખ્ય ગણાતા આ તંતુઓ શેનાથી બનેલા હોય છે. સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર વડે તેમને જોઈ શકાય છે, પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે ૧૦,૦૦૦ ગણુ મોટું કદ દર્શાવી શકે છે તેનો ઉપયોગ કરવામાં આવે તો તંતુઓની અંદર બીજા નાના તંતુઓ પણ જોવા મળે છે.

જેમને ફ્રાઇબ્રિલ કહેવામાં આવે છે. આવા નાના તંતુઓને જોઈ પણ શકાય છે. કાગળના છેડે અને બાજુઓએ તે ચોંટેલા રહે છે. આ અત્યંત બારીક તંતુઓ જે પદાર્થના બનેલા છે તેને ‘સેલ્યુલોઝ’ કહે છે.

સેલ્યુલોઝના રાસાણિક બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું સોયજન રહેલું છે. સેલ્યુલોઝના બનેલા તંતુઓ લાંબી સાકળ ધરાવતા ગ્લુકોઝના અણુઓની હારમાળાના સ્વરૂપના હોય છે. તેના બંધારણમાં ૪૪.૪ ટકા કાર્બન, ૬.૨ ટકા હાઇડ્રોજન અને ૪૯.૪ ટકા ઓક્સિજનના તત્ત્વો હોય છે.

સેલ્યુલોઝના અણુનું આ સાદામાં સાદું રૂપ છે અને તેમાંથી કાગળના રસાયણવિજ્ઞાનની શરૂઆત થાય છે.

કાગળ બનાવવા માટે સૈથી જરૂરી છે સેલ્યુલોઝ. જે દરેક વનસ્પતિમાં રહેલું છે. આથી કાગળ બનાવવા માટે તમામ પ્રકારની વનસ્પતિનો ઉપયોગ કરી શકાય છે.

જોકે કેટલીક વનસ્પતિમાં સેલ્યુલોઝનું પ્રમાણ નહિવત હોવાને કારણે કાગળ બનાવવા તેનો ઉપયોગ કરી શકાતો નથી. ભારતમાં કાગળ બનાવવા માટે કાચા માલમાં વાંસ, સબાઈ, ઘાસ, હેમ્પ, શણના ટુકડા, શેરડીના કૂચા અને રદ્દી કાગળનો ઉપયોગ કરવામાં આવે છે.

લાકડાનો ઉપયોગ માત્ર ન્યૂઝ પ્રિન્ટ માટે જ કરવામાં આવે છે. આ ઉપરાંત કાગળ બનાવવા માટેના રસાયણોમાં કોસ્ટિક સોડા, ક્લોરિન, સોડાએંશ, સોડિયમ સલ્ફેટ, ચૂનો અને ગંધક મુખ્ય છે. ચીની માટી, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ અને ટિટાનિયમ ડાયોક્સાઈડ કાગળને વજન આપવા માટે તથા સખત બનાવવા માટે કાગળ બનાવતા પહેલાં માવામાં ઉમેરવામાં આવે છે.

જસતના ઓક્સાઇડો કાગળને સફેદ બનાવવા માટે ઉમેરવામાં આવે છે. તો કાગળ પર આર ચઢાવવા માટે રોઝીન આલ્કલીનો ઉપયોગ કરવામાં આવે છે. ફટકડી અને મીણના ઈમલ્ઝનો પણ તેમાં વપરાય છે. આ પદાર્થોને કારણે કાગળ પર લખતી વેળાએ શાહી પ્રસરતી નથી. કાગળમાં મજબૂતાઈ લાવવા માટે સ્ટાર્ચ પણ વપરાય છે.

કાગળની સપાટીને લિસી અને સરખી રાખવા માટે તથા તેનાં છિદ્રો પૂરવા કેસીન, સ્ટાર્ચ, પૉલિવિનિલ આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ પ્રકારના વોટરપ્રૂફ કાગળ માટે ફોરમાલ્ડીહાઇડ, લાખ, પ્લાસ્ટિક વગેરે વપરાય છે.

વળી કાગળના ઉત્પાદનમાં દરેક તબક્કે પુષ્કળ પાણી વપરાય છે. રોજનો ૧૦૦ ટન કાગળ બનાવતી મિલમાં બે કરોડ ગેલન પાણીનો વપરાશ એક જ દિવસમાં થાય છે. આટલું પાણી એક લાખ વસ્તી વાળા શહેરની રોજિંદી જરૂરિયાત છે! આ પાણી તદ્દન ચોખ્ખું જોઈએ. જો તેમાં કોઈપણ પ્રકારની અશુદ્ધિ રહી જવા પામે તો કાગળ બનાવવા માટેની રાસાયણિક પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે.

કાગળનો માવો

કાગળનો માવો એટલે કાગળ બનાવવા માટેનો કાચો માલ. કાગળ તૈયાર કરવા માટે તેને દબાવીને સૂકવીને જાડા પૂઠાંના રૂપમાં અથવા તો સૂકી પતરીના રૂપમાં તેને તૈયાર કરવો પડે છે. આ કાગળનો માવો બનાવવા માટેની પ્રક્રિયા પણ ઘણી રસપ્રદ છે.

કાગળનો માવો બનાવવા માટે સૌ પ્રથમ લાકડાની છાલ દૂર કરવામાં આવે છે. છાલ ઉતાર્યા બાદ લાકડામાંથી લગભગ સરખા માપની ૧થી ૨ સેન્ટિમીટર વચ્ચેના કદ સુધીની ‘ચિપ્સ’ કરવામાં આવે છે. આ ચિપ્સમાંથી માવો બનાવવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

જેમાંની એક છે સલ્ફાઇટ પદ્ધતિ. તેમાં લાકડાની ચિપ્સ કેલ્શિયમ બાયસલ્ફાઈટ નામના રસાયણમા, 145° C ઉષ્ણતામાને પકવવામાં આવે છે. આ પ્રક્રિયાનો હેતુ તંતુઓને નુકશાન પહોંચાડ્યા વિના લાકડામાંથી અન્ય ભાગોથી અલગ કરવાનો હોય છે. રસાયણના દ્રાવણમાં કેલ્શિયમ બાયસલ્ફાઈટ સાથે સલ્ફ્યુરસ એસિડ પણ ઉમેરવામાં આવે છે.

માવો બનાવવા માટેની બીજી પદ્ધતિમાં આલ્કલી વાળા ૨સાયણો વાપરવામાં આવે છે. અહીં કોસ્ટિક સોડા વાપરવાની પદ્ધતિ સૌથી જૂની છે. આ પદ્ધતિમાં લાકડાંની ચિપ્સને ૪ ટકા કોસ્ટિક સોડાના દ્રાવણમાં ૧૭૦ અંશથી ૧૭૫ અંશ સેન્ટિગ્રેડ ઉષ્ણતામાને પકવવામાં આવે છે.

ત્રીજી પદ્ધતિમાં લાકડાની ચિપ્સને કોસ્ટિક સોડા અને સોડિયમ સલ્ફાઇડના દ્રાવણમાં ઉકાળવામાં આવે છે. આ પદ્ધતિ ગમે તેવા લાકડા માટે યોગ્ય ગણાય છે. તેમાં ઉષ્ણતામાનનો ગાળો ૧૭૦ અંશથી ૧૭૫અંશ સેન્ટિગ્રેડનો હોય છે, જ્યારે ઉકાળવાનો સમય ૩થી ૪ કલાક જેટલો રાખવામાં આવે છે.

આ પદ્ધતિમાંથી પસાર થયા બાદ મિશ્રણનો રંગ કાળો પડી જાય છે. જેને ‘બ્લેક લીક’ કહે છે. તૈયાર થયેલ પલ્પ’-માવો લિગનીન અને બીજાં રંગીન દ્રવ્યો ધરાવે છે. આથી તેને શ્વેત કરવા માટે તેના ઉપર ક્લોરિન, હાઈપોક્લોરાઇટ, ક્લોરિન ડાયોક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડના વિરંગનાર રસાયણોની ક્રમશ: પ્રક્રિયા કરવામાં આવે છે.

કાગળ કેવી રીતે બને છે ?

એક સમય હતો જ્યારે કાગળ હાથથી બનાવાતો. પરંતુ કાગળની વધતી માંગને પગલે વૈશ્વિક સ્તરે તેનું મોટા પાયે ઉત્પાદન થવા માંડ્યું. ટેક્નોલોજીનો વિકાસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ કાગળ બનાવવા માટેના મશીનો પણ વિકસીત થયા.

જોકે હાલમાં કાગળ મોટે ભાગે ફોર્ડિનિયર યંત્રમાં જ ઉત્પન્ન કરવામાં આવે છે. શુદ્ધ કરેલો પલ્પ પાણીના જથ્થા સાથે મિશ્ર કરવામાં આવે છે અને ‘હેડ બોક્સ’ નામના પાત્રમાં આ મિશ્રણ પંપ કરવામાં આવે છે. આ હેડ બોક્સ’ના આગળના ભાગમાં સાંકડો છેદ મુકેલો હોય છે, જેને ‘સ્લાઈસ’ કહે છે.

અહીંથી કાગળના તંતુઓ(પલ્પ) અને પાણીનું મિશ્રણ એક સળંગ તારની જાળી ઉપર પડે છે. આ છંદની પહોળાઈ વધતી કે ઓછી કરી શકાય તેવી હોય છે. ‘હેડ બોક્સ’માં મિશ્રણને અમુક ઊંચાઈ સુધી રાખવામાં આવે છે. કારણ કે સ્લાઇસમાંથી તેની બહાર આવવાની ગતિ આ ઊંચાઈ પર આધાર રાખે છે.

તારની જાળી ઉપર જ્યારે તંતુઓ મિશ્રિત પાણી પડે છે ત્યારે પ્રવાહની દિશાને સમાન્તર ગોઠવાય તે માટે તારની જાળીની પટ્ટીઓની કિનારી બાંધેલી હોય છે, જેને આમથી તેમ હલાવી શકાય છે. જે રીતે આ તંતુઓ ગોઠવાય છે તેના પર જ કાગળની મજબૂતાઈનો આધાર રહેલો છે.

‘બેસ્ટ રોલ’થી ‘કાઉચ રોલ’ સુધી ફોર્ડિનિઅરની તા૨ની જાળી મિશ્રણને આગળ ધપાવે છે. બેસ્ટ રોલ અને કાઉચ રોલ વચ્ચે ‘સ્ટ્રેચ રોલ’, ‘ગાઇડ રોલ’ અને ‘ટેબલ રોલ’ પણ આવેલા હોય છે.

તેના પર તારની જાળી ટેકાવેલી હોય છે. ટેબલ રોલ આગળથી પાણી નીચે નીતારવા માંડે છે અને મિશ્રણ ઘટ્ટ થતું જાય છે. જેમ આ કાગળના તંતુઓ અને પાણીનું મિશ્રણ આગળ ધપતું જાય છે તેમ જાળીના છિદ્રોમાંથી પાણી નીચે ટપક્યા કરે છે અને ત્યાં રાખેલા પાત્રમાં ઝિલાય છે.

આ પાણીમાં કાગળના બારીક તંતુઓ હોવાથી તનો રંગ શુભ્ર હોય છે અને તેથી તેને ‘વ્હાઇટ વોટર’ કહે છે. આ પાણીનો ફરી વાર મિશ્રણમાં ઉપયોગ કરવામાં આવે છે.

તા૨ની જાળીની હદ જ્યાં પૂરી થાય છે ત્યાં એક બીજું રોલર ગોઠવાયેલું હોય છે, જેને ‘ડેન્ટી રોલ’ કહે છે. તંતુઓને વધુ સારી રીતે ગોઠવવા માટે દબાણ આપવાનું કામ ડેન્ડી રોલ કરે છે. જે કાગળના મિશ્રણની અંદર રહેલા પાણીને ચૂસી લે છે. હવે આ ડોન્ડી રોલ કાગળ ઉપર ‘જલ ચિહ્ન’ ઉપસાવવા માટે વપરાય છે.

ત્યાર બાદ આ કાગળ કાઉચ રોલ અને પ્રેસ વિભાગમાંથી પસાર થાય છે. જ્યાં કાગળને ગ્રેનાઈટ પત્થરો અથવા કુત્રિમ પત્થરો વચ્ચે દબાવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ કાગળમાં થોડી જ ભીનાશ રહે છે.

આ પછી તેને ડ્રાયર વિભાગમાં પોલા રોલરો વચ્ચે ફેરવવામાં આવે છે. આ રોલરોની અંદર વરાળ રહેલી હોય છે, જેથી કાગળ સૂકાઈ જાય છે અને આ રીતે એક લાંબી પ્રક્રિયામાંથી આપણે વાપરીએ છીએ તેવો કાગળ તૈયાર થાય છે.

કાગળના પ્રકાર

વજન અને લાક્ષણિકતાને આધારે કાગળના પ્રકાર પાડવામાં આવે છે. સામાન્ય રીતે કાગળની પ્રાથમિક સાઈઝ એક રિમ એટલે કે 500 શીટની હોય છે. જેને કાપીને વહેંચવામાં આવે છે.

બ્લેન્ક પેપર

કોરો કાગળ મજબૂત અને પાતળો હોય છે. જેનું વજન સામાન્ય રીતે ૫૦ કિલોગ્રામ હોય છે. તેનો ઉપયોગ ટાઇપરાઈટિંગ અને લખવા માટે થાય છે.

બોન્ડ પેપર

બોન્ડ પેપર એ બ્લેન્ક પેપરની સરખામણીએ ઉચ્ચ ગુણવત્તાવાળો હોય છે. તેનું વજન ૫૦ કિલોગ્રામથી વધુ હોય છે. તે સ્ટેશનરી અને પત્ર વ્યવહારમાં વપરાય છે. કાગળના માવાની સરખામણીએ બોન્ડ પેપર મુખ્યત્વે રદ્દી કાગળના પલ્પમાંથી તૈયાર કરવામાં આવે છે. જે લાકડાના માવામાંથી તૈયાર કરવામાં આવતા કાગળની સરખામણીએ ઘણો મજબૂત હોય છે.

બુક પેપર

આ પ્રકારનો પેપર ખાસ કરીને પુસ્તક માટે તૈયાર કરવામાં આવે છે. અગાઉના સમયમાં બુક પેપર પ્રમાણમાં પીળાશ પડતો બનાવવામાં આવતો. જેથી લખાણ વાંચવામાં સરળ પડે. સામાન્ય બુક પેપર ઘણા હળવા હોય છે. તેનું વજન ૬૦થી ૯૦ ગ્રામ જેટલું હોય છે.

સુગર પેપર

સુગર પેપર અથવા તો કન્સ્ટ્રક્શન પેપરએ ખાસ કરીને રંગીન હોય છે અને વિશાળ શીટમાં ઉપલબ્ધ હોય છે. પ્રમાણમાં ખરબચડો તેમજ તેની સપાટી પોલીશ કર્યા વિનાની હોય છે. આવો કાગળ મોટે ભાગે કુદરતી રીતે તત્ત્વોમાંથી તૈયાર કરવામાં આવતો હોઈ, કાગળની સપાટી પર આવા તત્ત્વોને જોઈ શકાય છે.

કોટન પેપર

તેને ૧૦૦ ટકા કોટન રેસાઓમાંથી તૈયાર કરવામાં આવે છે. લાકડાના માવામાંથી બનેલા કાગળની સરખામણીએ કોટન પેપર ઘણો મજબૂત હોય છે. તેને લાંબો સમય સુધી જાળવી શકાય છે. માટે જ મહત્ત્વના દસ્તાવેજોમાં ઉપરાંત કાયદાકીય દસ્તાવેજોમાં પણ તેનો વધુમાં વધુ ઉપયોગ કરાય છે.

ઇલેક્ટ્રોનિક પેપર/ઇ-પેપર

ઇલેક્ટ્રોનિક પેપર એક પ્રકારની નિર્દેશક પદ્ધતિનું સ્વરૂપ છે, જે સામાન્ય કાગળની જેમ પ્રકાશ ફેંકે છે તેમજ લખાણ અને ફોટો ઇમેજનો સંગ્રહ કરી શકવાની ક્ષમતા ધરાવે છે, જેને પ્રકાશની ગેરહાજરીમાં પણ વાંચી શકાય છે.

ઈન્જેક્ટ પેપર

ઈન્જેક્ટ પેપર એ ખાસ કરીને ઈન્જેક્ટ પ્રિન્ટર માટે ડિઝાઈન કરવામાં આવેલા હોય છે. આવા પેપરને વજન, સફેદી અને ચીકાશને આધારે વહેંચવામાં આવે છે.

ફ્રાફ્ટ પેપર

ક્રાફ્ટ પેપર મુખ્યત્વે લાકડાના માવામાંથી તૈયાર કરવામાં આવે છે. તે પ્રમાણમાં મજબૂત અને સૂકા હોય છે. ફ્રાફ્ટ પેપર મોટે ભાગે બ્રાઉન ભૂરા રંગના હોય છે. પરંતુ તેને બ્લીચ કરીને સફેદ બનાવવામાં આવે છે. પેપર બેગ, કવર અને અન્ય પ્રકારના પેકિંગ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

વોલ પેપર

ઘરમાં કે ઓફિસની દિવાલો પર તમે વોલ પેપર જોઈ શકો છો. કવર અને ઘરસજાવટમાં તેનો વધુ ઉપયોગ થતો હોય છે. વોલ પેપર પર ચિત્રકામ માટે પ્રિન્ટિંગ કરવામાં આવે છે.

આ ઉપરાંત વેક્સ પેપર, વોવ પેપર, કોટેડ પેપર, લેઈડ પેપર, પેપર ટાવલ, ફીશ પેપર સહિત વિવિધ પ્રકારના પેપર બજારમાં ઉપલબ્ધ છે.

આપણે રોજબરોજના જીવનમાં મોટા પાયે કાગળનો ઉપયોગ કરીએ છીએ. જોકે મોટા ભાગના લોકો કાગળ કેવી રીતે બને છે તે વિશે અજાણ હોય છે. તમે અહીં કાગળ બનાવવાની પ્રક્રિયા તો જાણી લીધી. કાગળ ઉત્પાદન સાથે જોડાયેલી કેટલીક ચોંકવનારી વાસ્તવિકતાઓ વિશે પણ જાણવું જોઈએ.

જેમ કે એક વૃક્ષમાંથી કાગળની ૩૦૦૦ શીટ તૈયાર થાય છે. તેવી જ રીતે કાગળ ઉદ્યોગ માટે પ્રતિમાસ ૨૦,૦૦૦ હજાર વૃક્ષો, જ્યારે પ્રતિવર્ષ અંદાજે ૧,૨૦,૦૦૦ વૃક્ષો કાપવામાં આવે છે. પરંતુ તેની સામે એટલા જ વૃક્ષોનું ઉત્પાદન ભાગ્યે જ થાય છે .

જો દરેક વ્યક્તિ પોતે સમજી વિચારીને કાગળનો યોગ્ય ઉપયોગ કરે છે તો તે છેવટે તો તેનાથી પર્યાવરણની જાળવણી થાય છે અને તે દ્વારા આપણને જ લાભ થાય છે. ત્યારે હવે આપણે જ નક્કી કરવાનું છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવા કેટલા મદદરૂપ થઈ શકીએ.

Aakash Kavaiya
Aakash Kavaiya

Tech Enthusiast, Blogger