વિવિધ પ્રકારની આયુર્વેદિક ઔષધો અને ઔષધીય વનસ્પતી વિશેની માહિતી

અહી કેટલીક આયુર્વેદિક ઔષધો, ઔષધીય વનસ્પતી વિશેની માહિતી આપેલી છે. તેમના ગુણકારી ઉપચાર અને આયુર્વેદિક ઘરેલુ ઉપચાર, ઘરગથ્થુ ઉપચાર, ઔષધીય વનસ્પતિ ના ઉપયોગો વગેરે માહિતી મળશે. તેમજ અહીંથી આયુર્વેદિક બુક ની PDF Download શકશો.

Table of Contents

ઔષધીય વનસ્પતિ : મામેજવો

ચોમાસામાં મામેજવોના છોડ પુષ્કળ ઉગી નીકળે છે એના સાંકડા લાંબા પાન નાગની જીભ જેવા હોવાથી તેને નાગજીહવા કહે છે એના છોડ 4 થી 6 ઈંચ ઉંચા, પાન ડીંટડી વગરના સામસામે હોય છે આખો છોડ પાનથી ભરેલો અને અતી કડવો હોય છે મામેજવો મધુપ્રમેહ (ડાયાબિટીસ) ને કાબુમાં રાખનાર ઉત્તમ ઔષધ છે. એના પાનનો રસ એક ચમચી જેટલો 8 થી 10 કાળા મરી સાથે લેવાથી મેલેરીયા મટે છે. આખા છોડને છાયામાં સુકવી, ખાંડીને બારીક ચુર્ણ બનાવવું અડધી ચમચી આ ચુર્ણ બપોરે અને રાત્રે લેવાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે અને મધુપ્રમેહમાં ફાયદો થાય છે.

ઔષધીય વનસ્પતિ : જામફળ

જામફળ હાઈ એનર્જી ફ્રૂટ છે જેમાં વધુ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે. આ તત્વો આપણાં શરીર માટે ખૂબજ જરૂરી હોય છે. જામફળ માથી વિટામીન બી-9 મળે છે જે ડીએનએ સુધારવા માટે ખુબજ મદદરૂપ થાઈ છે. જામફળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નીશીયમ હૃદય અને સ્નાયુઓને તંદુરસ્ત રાખે છે અને અનેક બિમારીઓથી પણ બચાવે છે. જો તમે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માંગો છો, તો જામફળનું સેવન ખૂબજ ફાયદાકારક થશે. જામફળનું નિયમિત સેવન કરવાથી શરદી ઉધરસ જેવી સમસ્યાઓ થવાનું જોખમ ઘટી જાઈ છે. જામફળમાં રહેલું વિટામીન એ અને ઇ આંખો, વાળ અને ચામડીને પોષણ આપે છે. જામફળમાં રહેલું લાઈકોપીન નામનું ફાઇટો ન્યુટ્રિઅન્ટ્સ શરીરને કેન્સર અને ટ્યૂમરના ખતરાથી બચાવામાં સહાયક થાઈ છે.

ઔષધીય વનસ્પતિ : ખરખોડી/ડોડી

ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે તેના વડેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષાૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે. તેના વેલા બારમાસી છે. ડોડી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓરિસા, મધ્યભારત અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં થાય છે. તેના વેલાનું મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. વધારે જૂનાં મૂળ હાથના કાંડા જેવા જાડાં અને કાપવાથી છિદ્રાળુ જણાય છે. મૂળની વાસ થોડી ઉગ્ર અને સ્વાદ ફીકો તેમ જ કંઈક મીઠાશ પડતો લાગે છે. તેના વેલા ઝડપથી ઉંચે ચડી જાય છે. પાન પાતળાં, ચીમળાયેલાં, અસકથી બે ઈંચ લાંબાં, એકથી દોઢ ઈંચ પહોળાં અને અણીદાર હોય છે. પાન ઉપરની બાજુએ ચીકણાં, નીચેની બાજુએ રુવાંટીવાળાં અને સહેજ વાસવાળાં હોય છે.

આયુર્વેદિય ઔષધનું નામ છે ‘જીવંતી’ જીવનને માટે હિતકર એ જીવંતી. જીવનને નિરોગી રાખનાર,પ્રાણશક્તિ અર્પનાર એ જીવંતી. આ જીવંતીનું એક બીજું નામ છે ‘શાકશ્રેષ્ઠા.’ શાક માત્રમાં જે શ્રેષ્ઠ છે. જીવંતીના ગુજરાતી નામો છે દોડી, ડોડી, ખરખોડી વગેરે. ડોડીની વેલ વાડ પર થાય છે. જે બારે માસ લીલીછમ રહે છે. તેની ડાળો-પાન, ફૂલ, શીંગો, બધા જ મધુર હોય છે. પર્ણો તો સીધા જ તોડીને ખવાય છે જે મધુર- સ્વાદિષ્ટ હોય છે. ડોડી મધુર- મીઠી, બળ આપનાર, શીતળ, રક્તશુદ્ધિકર, પિત્તશામક, બળતરા શાંત કરનાર, લોહીવા- રક્તવા મટાડનાર છે.

ઔષધીય વનસ્પતિ : કચૂરો

ભારતમાં બધે થાય છે ઔષધમાં એનો કંદ વપરાય છે એના કંદમાં ઉડ્ડયનશીલ તેલ, ગુંદર, શર્કરા, સ્ટાર્ચ અને સેન્દ્રીય અમ્લ હોય છે તે કડવો તીખો અને ગરમ હોય છે. કચુરો ભુખ લગાડનાર, અરુચી દુર કરનાર, પચવામાં હલકો, દમ, ગોળો, કફ, કૃમી, હેડકી અને હરસ મટાડે છે. કચુરાના કંદના સુકાવેલા ટુકડા બજારમાં મળે છે તે મોંમાં રાખવાથી મોંની ચીકાશ દુર કરી ગળુ સાફ કરે છે. કચુરાનો ખાસ ઉપયોગ દમ, ખાંસી અને હેડકીમાં થાય છે

ઔષધીય વનસ્પતિ : આવળ

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે. એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી-ઊબકા બંધ થાય છે.

આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે. પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

ઔષધીય વનસ્પતિ : પીપળાનો પ્રયોગ

આયુર્વેદમાં પીપળાનો એક વાજીકરણ પ્રયોગ સુશ્રુત સંહિતામાં બતાવ્યો છે. એમાં પીપળાના મૂળ, થડની છાલ , પાન, ફળ, અને શૃંગતીશીઓ આ પાંચે અંગો સમાન ભાગે સુકવી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું સવાર-સાંજ લેવું. આ ચૂર્ણ અડધાથી એક ચમચી જેટલું સવાર-સાંજ દુધમાં નાખી તેમાં મધ, સાકાર, ઘી, એક એક ચમચી મેળવી પીવું.

આ વાજીકરણ પ્રયોગથી સંભોગ શક્તિ વધે છે. આ સાદો પ્રયોગ વાજીકરણ ઉપરાંત ટોનિક પણ વધે છે. પીપળાના કોમલ ફળ, સ્વદીસ્ત , શીતળ અને પૌષ્ટિક છ્હે. સુકારો, અરુચિ, દાહ મટાડે છે.

આયુર્વેદનો અશ્વસ્થ’’ એ જ આપણો પીપળો. પીપળાને ભારતમાં ખુબ જ પવિત્ર વૃક્ષ ગણાય છે અને એ ભારત સિવાય બીજા દેશમાં થતું નથી. આ વિશાળ વૃક્ષનાં પાન, ક્ષીર, લાખ, ટેટા, મૂળ બધા ઔષધમાં વપરાય છે. પીપળો મધુર, તૂરો, શીતળ, દુર્જર, ગુરુ, રુક્ષ, વર્ણકર, યોનિશુદ્ધકારક તથા કડવો છે. કફ, પિત્ત, બળતરા મટાડે છે. તેનાં પાકાં ફળ- ટેટા હૃદયને હિતકર અને શીતળ છે. કફ, પિત્ત, રક્તદોષ મટાડે છે. તેની લાખ શીતળ, કડવી, તૂરી, બળકર અને વર્ણ સુધારક છે.

આયુર્વેદીક ઔષધ - ઉમરા

ઉમરા કે ઉમરડાના વૃક્ષને આયુર્વેદમાં ઉદુમ્બર કહેવામાં આવે છે. આ વૃક્ષ બારે માસ ફળો આપતું હોવાથી તેને ‘સદાફલ’ કહેવામાં આવે છે, તેના લાકડાં યજ્ઞમાં વપરાતા હોવાથી ‘યજ્ઞફલ’ પણ કહે છે. ઉમરડો, પીપળો, પીપર, વડ, જાંબુ બધા એક જ વર્ગના વૃક્ષો છે. આ પાંચે ‘પંચવલ્ક્ય’ કહેવાય. પાંચેની છાલ ઔષધમાં વપરાય છે. તેના ઉકાળાથી મોઢાનાં ચાંદા, દાંતના મસુડા પાકવા, ગળાનો સોજો, જીભ કે તાળવું આળું થવું વગેરે મટે છે. આંતરડાનાં ચાંદા, ચીકણા ઝાડા, કોલાયટીસ મટાડે છે.

આયુર્વેદીક ઔષધ - શતાવરી

આયુર્વેદમાં શતાવરીનો રસાયન ઔષધોમાં સમાવેશ થયો છે. રસાયન ગુણથી આયુષ્ય લંબાય, સ્વાસ્થ્ય સારું રહે. વજન વધે અને હૃષ્ટપુષ્ટ થવાય છે. એક ગ્લાસ દૂધમાં એક એક ચમચી શતાવરી અને સાકર નાંખી, ઊકાળી ઠંડું પાડી સવાર- સાંજ પીવું. આ ઉપચારથી શક્તિ આવે છે. સ્ત્રીઓને પ્રદર મટે છે. શતાવરીનું એક સંસ્કૃત નામ ‘નારાયણી’ છે અને તેના દ્વારા બનાવવામાં આવતાં તેલને ‘નારાયણી તેલ કહેવામાં આવે છે. જે વાયુના રોગોમાં માલિશ માટે વપરાય છે. જકડાઈ ગયેલાં સાંધાઓ પર તેનું માલિશ કરવામાં આવે છે. બજારમાં મળે છે.

આયુર્વેદના ઉત્તમ ઔષધોમાં શતાવરીની ગણતરી થાય છે. શતાવરી બે જાતની થાય છે. 

  • મહા શતાવરી
  • નાની શતાવરી

મહા શતાવરી ભિલાડથી મુંબઈ સુધીના દરિયાકિનારે વધુ થાય છે. તેના મૂળ અંગૂઠા જેટલા જાડા, રસદાર અને આઠથી દસ ફૂટ લાંબા થાય છે. દવામાં આ મૂળિયા જ વાપરવા જે બજારમાં મળે છે. તે નાનીના મૂળિયા જ હોય છે. નાની શતાવરી રેતાળ જમીનમાં સર્વત્ર થાય છે. જો મોટી શતાવરી મળે તો તેનું જ ચૂર્ણ વાપરવું. જો રક્તસ્રાવી મસા હોય તો સમભાગે બનાવેલું સાકર અને શતાવરીનું ચૂર્ણ સવાર-સાંજ લેવું.

આયુર્વેદિય મતે શતાવરી રસમાં-સ્વાદમાં મધુર અને કડવી છે. બલ્ય એટલે બળ આપનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક રસાયન, વાજીકરણ એટલે કે મૈથુનશક્તિ વધારનાર, રક્તવિકાર, વાયુ અને પિત્તને હરનાર, રક્તમૂત્રતા, મૂત્રાઘાત, મૂત્રકષ્ટ, મૂત્રાવરોધ મટાડનાર છે. મોટી મહાશતાવરી હ્રદ્ય, મેધ્ય એટલે બુદ્ધિવર્ધક, જઠરાગ્નિ વધારનાર, પૌષ્ટિક, સંગ્રહણી અને મસા-પાઈલ્સ મટાડનાર છે. એક એક ચમચી ગોખરૂ, શાતવરી અને પાઈલ્સનું ચૂર્ણ કરી એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળીને પીવાથી મૂત્રમાર્ગના રોગો મટે છે.

આયુર્વેદનું એક અનુપમ ઔષધ છે ‘શતાવરી’ પેત્તના અનેક રોગોમાં વૈદ્યો આ ઔષધનો ઉપયોગ કરીને યશ અને ધન મેળવે છે. ગ્રીષ્મના આરંભે જમીનમાંથી ફૂટી નીકળતી આ વેલને નાના નાના અસંખ્ય પર્ણો બેસે છે. એટલા માટે જ સંસ્કૃત ભાષામાં તેનું એક નામ છે ‘બહુપત્રા’ શિયાળામાં તેને સુગંધિત ફૂલો અને પછી ફળો આવે છે. ઔષધમાં તેના મૂળનો ઉપયોગ થાય છે. જે ગાંધીને ત્યાં મળે છે. આ મૂળિયાને સ્વચ્છ કરીને તેનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી લેવું. આ થયું વૈદ્યોનું માનીતું ‘શતાવરી ચૂર્ણ’. જે અનેક રોગોમાં ઉપયોગી છે.

આયુર્વેદના મહાગ્રંથ ‘અષ્ટાંગ હૃદય’માં મહિર્ષ વાગ્ભટ્ટ લખે છે કે, રતાંધળાપણામાં શતાવરીના કુમળા પાન ગાયના ઘીમાં વધારીને ખાવાથી રતાંધળાપણું દૂર થાય છે. મોઢામાં, હોજરીમાં, આંતરડાંમાં જો ચાંદા પડ્યા હોય તો તેના ઉપચાર માટે શતાવરીદ્યુત અત્યંત હિતાવહ ઔષધ છે. જો મળી શકે તેમ હોય તો તાજી લીલી શતાવરીનો રસ કાઢી બેથી ત્રણ ચમચી જેટલી સાકર નાખી સવાર- સાંજ પીવો અથવા એક ચમચી શતાવરી ચૂર્ણ એટલી જ સાકર સાથે રોજ સવાર-સાંજ લેવું.

આયુર્વેદીક ઔષધ - પારિજાતક

આયુર્વેદીય ઔષધ પારિજાતકના વૃક્ષો મધ્યમ કદનાં થાય છે. તેના બિયાં ગોળ હોય છે. પારિજાતકનાં ફૂલ ઘણા જ કોમળ અને ખૂબ જ સુવાસિત હોય છે. વૃક્ષને હલાવતાં જ તેના સુગંધિત ફૂલો નીચે ખરી પડે છે. પારિજાતક ત્વચા રોગોમાં સારું કામ આપે છે. પારિજાતકનાં પાંદડાં નાચણીના લોટમાં લસોટી તેનો લેપ કરવાથી જૂનું ખરજવું મટી જાય છે. પારિજાતકના બીજ વાટી તેનો લેપ કરવાથી ઉગ્ર ખોડો મટી જાય છે. પારિજાતકના પાનનો રસ લગાડવાથી દાદર મટી જાય છે

આયુર્વેદીક ઔષધ - તલ ના ઉપચાર

તલ અને હળદર લસોટી તેનો લેપ કરવાથી ખીલ મટે છે.  તલના તેલથી ડ્રેસિંગ કરવાથી વ્રણ-ઘા મટે છે.  તલનું કચરિયું ખાવાથી સ્નાયુ મજબૂત બને છે.  તલની સાકર સાથે બનાવેલ ચિક્કી ખાવાથી વજન વધે છે. તલના તેલના કોગળા કરી મસાજ કરવાથી દાંત અને પેઢા-મસૂડા મજબૂત થાય છે, મોઢાના વ્રણ-ચાંદા મટે છે. તલ, ગુંદા, વરિયાળી અને ગોળનો ઉકાળો પીવાથી અટકેલું માસિક આવી જાય છે.  તલ માખણમાં વાટી ખાવાથી હરસ મટે છે

આયુર્વેદીક ઔષધ - બોરસલીના ઉપચાર

બોરસલીના બીજ લસોટીને પીવાથી અતિસાર મટી જાય છે. બોરસલીની છાલ ખૂબ ચાવવાથી દાંત મજબૂત બને છે. બોરસલીનાં ફૂલ સૂંઘવાથી હૃદયને બળ મળે છે, હિતકર બને છે. બોરસલીનાં પાકાં ફળનો ગર-ગર્ભ દાંતે ઘસવાથી હલતા દાંત મજબૂત થાય છે. બોરસલીના સૂકા ફળનું ચૂર્ણ સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે. બોરસલીનાં તાજાં ફૂલ એક ચમચી પાણીમાં ઉકાળી પાણી ગાળી લેવું. આ પાણીમાં સાકર નાખી પીવાથી પ્રદર મટે છે.

આયુર્વેદીક ઔષધ - ધરો / દૂર્વા

આયુર્વેદિય ઔષધ‘દૂર્વા’ એ જ આપણી ‘ધરો.’ ધરો એક જાતિનું તૃણ-ઘાસ છે. ધરોનો ઉપયોગ દેવપૂજામાં થાય છે. ગણપતિ પૂજનમાં અને ચોપડા પૂજનમાં તો ધરો અવશ્ય જોઈએ જ. ધરોનો ઔષધમાં પણ બહોળો ઉપયોગ થાય છે. ગુણકર્મની દૃષ્ટિએ ધરો તૂરી, મધુર, શીતળ તથા તૃપ્તિકા૨ક છે તથા પિત્ત, તૃષા, દાહ, ઊલટી, ઊબકા, રક્તદોષ, ત્વચા વિકારો, શ્રમ, મૂર્છા, કફ, અરુચિ, રક્તપિત્ત, અતિસાર, તાવ, અજીર્ણ અને પાચનરોગોમાં હિતકર છે.

આયુર્વેદીક ઔષધ - બ્રાહ્મી

બ્રાહ્મીના મંડૂકપર્ણી, ત્વાષ્ટ્રિ, દિવ્યોષધિ એવા નામો છે. બ્રાહ્મી શીત, તુરી તથા કડવી છે અને બુદ્ધિ, પ્રજ્ઞા, મેધા, આયુષ્ય અને અગ્નિને વધારનારી, સારક, સ્વાદ, લઘુ, કંઠશોધક, સ્મૃતિપ્રદ, રસાયન તથા હૃદયને હિતકર છે. તે મેહ, વિષ, કોઢ, પાંડુરોગ, ઉધરસ, તાવ, સોજો, ખંજવાળ, પ્લીહા રોગ, વાતરક્ત પિત્ત, અરિચ, દમ, શોષ, વાયુ તથા કફનો નાશ કરે છે. આ બધા રોગોમાં બ્રાહ્મીનું શરબત, રસ, ઉકાળો, ચૂર્ણ, ટેબલેટ, ચાટણ વાયુ, પિત્તાદિ દોષને ધ્યાનમાં રાખી પ્રયોજાય છે.

આયુર્વેદીક ઔષધ - દારૂડી

આયુર્વેદીય ઔષધ ‘સ્વર્ણજીરી’ એ જ આપણી દારૂડી, જે ગુજરાતમાં ખૂબ થાય. તેના હાથ-દોઢ હાથ ઊંચા કાંટાળા ઝાડ થાય છે. એના કોઈપણ અંગને તોડવાથી સોના જેવો જ રસ નીકળતો હોવાથી તેનું સંસ્કૃત નામ સ્વર્ણજીરી છે. આ દારૂડી રેચક, હિમ, કડવી તથા મળને સરકાવનાર છે. તે ખંજવાળ, કફ, કૃમિ, વાતરક્ત, પિત્ત, મૂત્રકષ્ટ, જ્વર, પથરી, સોજા, દાહ અને કોઢનો નાશ કરે છે. તેના મૂળના પણ એવા જ ગુણ છે. દારૂડીના મૂળ ત્વચા રોગોમાં ઉત્તમ ફાયદો કરે છે.

આયુર્વેદીક ઔષધ - પુષ્કરમૂળ

આયુર્વેદીય ઔષધ પુષ્કરમૂળ ની ઉત્પત્તિ કાશ્મીરમાં થાય છે. એને પોખરમૂળ પણ કહે છે. એ કડવું, તીખું, ઉષ્ણ તથા ભેદક છે અને વાયુ, કફ, જવર, સોજો, અરુચિ, ઉધરસ, હેડકી તથા પાંડુ અને ખાસ કરીને પડખાના દુખાવાનો નાશ કરે છે. એની જડ કામોત્તેજક, શુક્રદોષનાશક છે. અરબરસ્તાની પુષ્ક૨૨મૂળ સર્વોત્તમ ગણાય છે. તેનામાં પેટની પીડા મટાડવાનો, વાછૂટની દુર્ગંધ દૂર કરવાનો ઉત્તમ ગુણ છે. હેડકી અને ઉધરસમાં પુષ્કરમૂળનું ચૂર્ણ મધ સાથે ચાટવું. શ્વાસમાં પણ રાહત થાય છે.

આયુર્વેદીક ઔષધ - તુલસી

આયુર્વેદિય ઔષધ તુલસી ના છોડ બે હાથ ઊંચા વધે છે. તુલસીની કાળી અને ધોળી જાત છે. તુલસીને માંજર આવે છે અને તેમાં તેના બી હોય છે. તેના માંજર અને પાન પૂજામાં અને ધાર્મિક કાર્ય તથા ઔષધમાં વપરાય છે. સફેદ કરતાં કાળી તુલસી ઉત્તમ છે. તુલસીમાં એવા અપૂર્વ ગુણો છે એટલે જ તેને ઘરઆંગણે વવાય છે. કાળી તુલસી તીખી, ગરમ, તીક્ષ્ણ, દાહકર, પિત્તકર, હૃદયને હિતકર, અગ્નિદીપક તથા લઘુ છે. તે વાયુ, કફના રોગો, શ્વાસ, કૃમિ, ઊલટી, દુર્ગંધ, કોઢ, રક્તદોષ, શૂળ, હેડકી મટાડે છે.

આયુર્વેદીક ઔષધ - પાષાણભેદ

આયુર્વેદીય ઔષધ પાષાણભેદ ને પથ્થરફોડ પણ કહે છે. તે વનસ્પતિ નાની અને રીંગણીની જેમ જમીન પર પ્રસરે છે. એને બોરડી જેવા કાંટા હોય છે અને ખડક પર ઊગે છે. તેના મૂળ ખડક તોડી અંદર ઊતરે છે તેથી તેનું પથ્થરફોડ નામ યથાર્થ જ છે. તેનાં ફૂલ સફેદ અને રીંગણી જેવાં ફળ આવે છે. તેના કુમળા પાનનું શાક થાય છે. તે શીતળ, મધુર અને કડવું છે. તે મેહ, તૃષા, દાહ, મૂત્રકૃચ્છ તથા પથરી મટાડે છે. પાષાણભેદનો ઉકાળો શિલાજિત નાખી પીવાથી પથરી મટે છે.

આયુર્વેદીક ઔષધ - માલકાંગણી

ઔષધનું માલકાંગણી તેને જ્યોતિષ્મતી પણ કહે છે. જેના વેલા મોટા અને ફૂલ પીળાશ પડતાં લીલા રંગના જેઠ માસમાં આવે છે. તેના ફળ અષાઢ શ્રાવણમાં પાકે છે. તે ફાટવાથી કેસરી રંગના બીજ નીકળે છે. બીજમાંથી તેલ નીકળે છે. જેને માલકાંગણીનું તેલ કહેવામાં આવે છે, જે માલિશ અને પીવા માટે વપરાય છે. આ તેલ વાયુના રોગો, ઉદર રોગો, સોજો, મૂત્રાવરોધ, મંદબુદ્ધિ અને જળોદરમાં સારું પરિણામ આપે છે.

આયુર્વેદીક ઔષધ - ચંદન

આયુર્વેદમાં સુખડને ચંદન કહે છે. આ ચંદન કડવું, તીખું, તૂરું, શીતળ- ઠંડું, વાજીકરણ, કાંતિવર્ધક, કામવર્ધક, સુગંધિત, રુક્ષ, આનંદકર, લઘુ તથા હૃદયને હિતકારી છે. તે પિત્ત, ભ્રમ, ઊલટી, તાવ, કૃમિ, તૃષા, સંતાપ, મુખ રોગ, બળતરા, શ્રમ, શોષ, વિષ, કફ તથા રક્તદોષનો નાશ કરે છે. જે ચંદન ગાંઠવાળું, જડ, સફેદ, ઘસવાથી પીળું, સુગંધિત, કાપવાથી લાલ, સ્વાદે કડવું, શીતળ હોય તે ઉત્તમ જાણવું ઔષધમાં તેનો ઉપયોગ કરવો.

આયુર્વેદીક ઔષધ - નિર્ગુડી

આયુર્વેદિય ઔષધ નિર્ગુડી અથવા શેફાલિકાને આપણે નગોડ કહીએ છીએ. ગુજરાતમાં નગોડ ઘણી થાય છે, તેથી સુલભ છે. આ નગોડનાં પાન અને ફૂલોનો રસ કાઢવો. બે કપ જેટલા આ રસમાં એક કપ તલનું તેલ નાખી ઉકાળવું. ઉકાળતા માત્ર તેલ રહે ત્યારે ઉતારી બાટલી ભરી લેવી. આ થયું નગોડું તેલ અથવા નિર્ગુડી તેલ. વાયુના રોગોમાં આ તેલથી માલિશ કરવાથી ઉત્તમ ફાયદો થાય છે. કટીશૂળ, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, સાયટિકા મટાડે છે.

આયુર્વેદીક ઔષધ - સર્પગંધા

ઔષધનું નામ છે સર્પગંધા. આખા ભારતમાં આ દવા થાય છે. સર્પગંધાના છોડને લાલ ફૂલો આવે છે અને ઔષધમાં તેના મૂળ વપરાય છે. જે કડવા હોય છે. આ મૂળ લોહીના ઊંચા દબાણમાં, ગાંડપણમાં, અનિંદ્રામાં ખૂબ જ ઉપયોગી છે. હાઈ બ્લડપ્રેશરમાં ઉપયોગી હોવાથી ઘણી ફાર્મસીઓ સર્પગંધા ટેબ્લેટ બનાવે છે. સર્પગંધા ઉત્તેજના શામક હોવાથી ઊંઘ સારી આવે છે. લો બ્લડપ્રેસરના દર્દીએ આ દવા અનિદ્રા હોય તો પણ લેવી નહીં. ગર્ભાવસ્થામાં તેનો ઉપયોગ કરવો નહીં.

આયુર્વેદીક ઔષધ - પરવળ

આયુર્વેદિય ઔષધ પટોલ એ જ આપણા પરવળ. આ પરવળ શાકોમાં શ્રેષ્ઠ ગણાય છે. દક્ષિણ ભારતમાં સર્વત્ર થાય છે. પરવળનો વેલો ટીંડોરા જેવો, પરંતુ પાંદડાં લાંબા હોય છે. પરવળ મીઠા અને કડવા એમ બે જાતના થાય છે. પરવળનું શાક ઘીમાં બનાવેલું પૌષ્ટિક અને સર્વ રોગોમાં ઉત્તમ પથ્યકર છે. પરવળ પાચક, પથ્ય, સ્વાદિષ્ટ, લઘુ, હૃદયરોગોમાં હિતકર, પિત્તને શાંત કરનાર, વાજીકર છે તથા ઉધરસ, રક્તદોષ, જ્વર, ત્રિદોષ અને કૃમિઓનો નાશ કરે છે. તેનાં પાંદડાં પિત્તનાશક, વેલો કફનાશક અને મૂળ રેચક છે.

આયુર્વેદીક ઔષધ - પલાશ

આયુર્વેદના ઉત્તમ ઔષધોમાં પલાશ ની ગણત્રી થાય છે. આ પલાશને આપણે ખાખરો કહીએ છીએ. તેના પાનમાંથી પતરાળા બને છે. તેના કેસરી ફૂલને આપણે કેસુડા કહીએ છીએ. તેના લીલા સૂકા ફળને પિત્તપપડો કહે છે. આ વૃક્ષના બધા જ અંગો મૂળ, પાન, ફૂલ, ફળ, ક્ષાર, ગુંદર, છાલ, રસ બધા જ ઔષધમાં વિભિન્ન રીતે પ્રયોજાય છે. તેના મૂળને બાળવાથી જે નિર્યાસ- રસ- ગુંદર નીકળે છે તે ચોપડવાથી ખરજવું અને સોરાયસીસ રોગ મટે છે.

આયુર્વેદીક ઔષધ - નાગરવેલ

આયુર્વેદના ગ્રંથોમાં નાગરવેલના પાનને કફના રોગોનું ઉત્તમ ઔષધ કહેવામાં આવ્યું છે. નાગરવેલનું પાન રુચિકારક, ઉષ્ણ, તીક્ષ્ણ, વશકારક, તીખું, તૂરું, દુર્ગંધનાશક, તે આહાર પચાવનાર છે. અવાજ બેસી જવો, કાકડાનો સોજો, ગળામાં કફ ચોંટવો, અચિ અને થાક દૂર કરે છે. નાગરવેલના એક પાનમાં એક લવિંગ, અડધી ચમચી આમળાનું ચૂર્ણ, એક લવિંગ મૂકી ખૂબ ચાવીને ખાવાથી ઉપર્યુક્ત લાભ મળે છે તથા તમક શ્વાસ, શ્વાસાવરોધ, સળેખમ અને શરદી મટે છે.

આયુર્વેદીક ઔષધ - બહેડા

બહેડાની છાલનો બે ચમચી રસ સવાર- સાંજ પીવાથી ખસી ગયેલી પેચોટી ઠેકાણે આવી જાય છે. રસ ન મળે તો સૂકી છાલનો ઉકાળો પણ પીવાય. બહેડાના ચૂર્ણની મધમાં ગોળી કરી, તેને મોઢામાં રાખી ચૂસવાથી શ્વાસ અને કફમાં ફાયદો થાય છે. જો બહેડાની સૂકી છાલના ટુકડા, લીલી હળદરના ટુકડા સાથે ચૂસવામાં આવે તો સૂકી ઉધરસ તરત બંધ થાય છે. એક એક ચમચી બહેડાનો મુરબ્બો ધીમે ધીમે ચાટવાથી બેસી ગયેલો અવાજ ખૂલીને સૂરીલો બને છે.

આયુર્વેદીક ઔષધ - વરિયાળી

વરિયાળી મગજ સંબંધી રોગો માટે ગુણકારી છે. વરિયાળીનાં સેવનથી આંખો ખરાબ નથી થતી અને મોતિયાંની સમસ્યા પણ નથી થતી. વરિયાળીના સેવનથી ઊલટી, મન બેચેન થવું, ઉદરશૂલ, અપચો, પિત્તવિકાર અને મરડો દૂર કરવા માટે લાભકારી છે. સવારે અને સાંજે મીઠું ભેળવ્યા વગરની રિયાળી ચાવવાથી લોહી શુદ્ધ રહે છે. અને ત્વચાનો રંગ પણ સાફ રહે છે. વરિયાળીનો રસ લેવાથી પેટ સાફ રહે છે. વરિયાળીનું શરબત ગરમીમાં ખૂબ જ ઠંડી પ્રદાન કરે છે.

આયુર્વેદીક ઔષધ - તમાલપત્ર

તમાલપત્રના ઝાડ તજના ઝાડ જેવા જ હોય છે. તમાલપત્રના વૃક્ષ હિમાલય અને શ્રીલંકામાં થાય છે. હિમાલયના તમાલપત્ર ઔષષ અને મસાલામાં શ્રેષ્ઠ- ઉત્તમ ગણાવાય છે. તમાલપત્ર બે આંગળી પહોળા અને ચાર આંગળી લાંબા હોય છે. તમાલપત્રનો ઉપયોગ આમપ્રકોપ અને કફપ્રધાન રોગોમાં થાય છે. તે મધુર, ગુરુ, બળકર, વૃષ્ય, ધાતુ વર્ધક તથા શીતળ છે. શ્રમ, દાહ, કફ, પિત્ત, શોષ તથા વિસ્ફોટનો નાશ કરે છે. ગર્ભાશયની શિથિલતા દૂર કરે છે. પ્રિંચ, અપચો, મંદાગ્નિ ઘટાડે છે.