ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા પાળિયા વિષે જાણવા જેવું

પાળિયા

અહી ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા પાળિયા વિષે માહિતી આપવામાં આવેલ છે. આપણા પૂર્વજ જે કોઈ યુદ્ધ માં લડતા લડતા શહીદ થઇ ગયા હોઈ. તે સમ્માન સ્વરૂપે તેમના પાળિયા બનાવામાં આવે છે. પાળિયા એ એક શક્તિ નું સ્વરૂપ છે. જે સતત આપણને પાણ શક્તિ પૂરતા રહે છે.


{tocify} $title={અનુક્રમણિકા}


પાળિયા વિષે

પાળિયા અથવા ખાંભી પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. પાકિસ્તાનના નગરપારકર અને થરપારકર વિસ્તારોમાં પણ પાળિયાઓ જોવા મળે છે. તેઓ મોટે ભાગે મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં હોય છે. પથ્થરનાં આ સ્મારકો પર પ્રતીકો અને શિલાલેખો હોય છે.આ સ્મારકો યોદ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ અંગે હોય છે. પાળિયાઓ લોકજીવન અને શિલાલેખોના અભ્યાસ માટે મહત્વના છે.

વ્યુત્પત્તિ

પાળિયા શબ્દ કદાચ મૂળ સંસ્કૃત શબ્દ પાલ, “રક્ષણ કરવું”માંથી ઉદ્ભવ્યો છે. ગુજરાતી ભાષામાં પાલનો અર્થ “લડતા સૈનિકોનું એક જૂથ” અથવા “લશ્કર” થાય છે. આ શબ્દના અન્ય સ્વરૂપો પાલિયા, પાવળિયો, પારિયો, પાળા અને પાળિયું પણ ઉપયોગમાં લેવાય છે.

 
વૈદિક કાળ દરમિયાન ઉદ્ભવેલી પરંપરા મુજબ મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નહોતા પરંતુ તેમને દફનાવવામાં આવતા અથવા નદીમાં પધરાવવામાં આવતા. પુરાતત્વ ખોદકામ દરમિયાન આવા દફન સ્થળ પર નિશાની રૂપે એક પથ્થર શરૂઆતમાં મુકાયેલા મળે છે અને પછીથી થયેલા દફનમાં ગોળાકારે મુકેલા પથ્થરોના સમુહ જોવા મળે છે. 
પાછળથી આ પ્રથા વિકસીને યષ્ટિ અથવા એક પથ્થરોના સમૂહો જેમાં વ્યક્તિના નામ, સ્થળ અને તારીખો સાથેના શિલાલેખોમાં વિકસી. સમગ્ર ભારતમાં આ પ્રથા વિકસીને વિવિધ સ્મારકો જેવા કે સ્તૂપ, સ્મારક મંદિરો વગેરેમાં પરિવર્તિત થઈ.
 
આ પ્રકારના સ્મારકો સમગ્ર ભારતમાં જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તેને વિરગલ્લુ અથવા નતુકલ કહે છે. તેમાં મોટાભાગે વિવિધ શિલાલેખો, આકૃતિઓ પથ્થર પર કોતરવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં તે પાળિયા અને ખાંભી તરીકે જોવા મળે છે. આવા હજારો સ્મારકો સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોમાં જોવા મળે છે. સૌથી જૂનાં સ્મારકો ખાવડાના ઔંધ ગામમાં જોવા મળ્યા છે જે રજી સદીના છે. 
આ પ્રથા 15 મી સદીમાં લોકપ્રિય બની અને મોટી સંખ્યામાં પાળિયાઓ બનાવવામાં આવ્યા. કેટલાક આદિવાસી સમાજ હજુ પણ આવા પથ્થરના સ્મારકો તેમની પરંપરા પ્રમાણે બનાવે છે.
 

સ્થળ અને પ્રતીકો

પાળિયા મોટાભાગે ગામ અને નગરના પાદરે બાંધવામાં આવે છે. તે યુદ્ધભૂમિ અથવા યોદ્ધાઓના મૃત્યુ સ્થળ નજીક પણ બાંધવામાં આવે છે અને કેટલીક વખત મંદિરો અથવા પૂજાસ્થળોની નજીક બાંધવામાં આવે છે.પાળિયા સમગ્ર ભારતમાં વિવિધ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જોવા મળે છે. પાકિસ્તાનના નગરપારકર અને થરપારકર વિસ્તારોમાં પણ પાળિયા જોવા મળે છે.

પાળિયાના પથ્થરોનો દ્રશ્યમાન ભાગ લગભગ બે ફીટ પહોળાઇ અને ત્રણ ફીટ ઉંચાઈ ધરાવે છે. નીચેનો ભાગ જમીનમાં લગભગ દસ ફીટ ઊંડે સુધી મૂકવામાં આવે છે. શરૂઆતના પાળિયાઓમાં ટોચની કિનારી અર્ધવર્તુળાકાર હતી અને પછીના પાળિયાઓમાં તે ત્રિકોણ હોય છે. 
કોતરવામાં સરળતા પડતી હોવાથી તે મોટાભાગે રેતીયા પથ્થરોના બનેલા હોય છે.ક્યારેક તેમની પર છત્રી અને જવલ્લે મંદિર બાંધવામાં આવે છે. જ્યારે પાળિયાઓ રાજવીકુળ સાથે સંબંધિત હોય છે ત્યારે તેના પર છત્ર બાંધવામાં આવે છે.

આ સ્મારકના ત્રણ ભાગ હોય છે; ટોચનો ભાગ વિવિધ પ્રકારના પ્રતિકો, મધ્યમાં પાળિયો જેના માટે બંધાયો છે તે વ્યક્તિ અને તળિયે લખાણમાં નામ, સ્થળ, ઘટના અને સમય સાથે કેટલીક વધુ માહિતી ધરાવે છે. ટોચ પરના પ્રતીકોમાં હંમેશા શાશ્વત કીર્તિના પ્રતીક રૂપે સૂર્ય અને ચંદ્ર હોય છે. 
17મી સદી પછી બાંધવામાં આવેલા પાળિયાઓ સ્વસ્તિક અને દીપક અને અન્ય નાના શણગાર પશ્ચાદભૂમાં કરેલ હોય છે. મધ્ય ભાગમાં માનવ આકૃતિ સાથે વિવિધ શસ્ત્રો, બેઠક, ઘોડા જેવા વાહનો, કપડાં અને વસ્તુઓ દર્શાવેલ હોય છે. સૌથી નીચેના ભાગમાં જે તે સમયની ભાષા અને શૈલીમાં લખાણ હોય છે જેમાં જે તે વ્યક્તિ, તેના મરણના સ્થળ, સમય અને સંજોગ વગેરે માહિતી હોય છે.

પૂજા

પાળિયા સાથે સંબંધિત સમુદાય અથવા મૃત્યુ પામેલ વ્યક્તિના વંશજો ખાસ દિવસો જેવાં કે વ્યકિતના મૃત્ય કે જન્મ દિવસ, ઘટનાની વર્ષગાંઠો, તહેવારો, કારતક, શ્રાવણઅથવા ભાદરવા મહિનાઓના શુભ દિવસોએ પાળીયાની પૂજા કરે છે. 
આ સ્મારકોને દૂધ અને પાણી વડે આ દિવસોમાં ધોવામાં આવે છે અને તેના પર સિંદુર અથવા કંકુ લગાવવામાં આવે છે અને ફૂલો ચડાવવામાં આવે છે. તેની બાજુમાં તલના તેલના દીવા મૂકવામાં આવે છે. ઘણી વખત તેના પર ધજા પણ ચડાવવામાં આવે છે.

પાળિયાઓના પ્રકારો

પાળિયાઓને પારંપરિક રીતે પાળિયા (સપાટ પથ્થરના સ્મારક), ખાંભી (કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક), થેસા (પાળિયા નજીકના નાનાં પથ્થરો), ચાગીયો (પત્થરોના ઢગલા), સુરાપુરા (અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ) અને સુરધન (આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.તેમનામાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર (મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ) કહે છે.

યોદ્ધાઓના પાળિયાઓ

આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઇના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયાઓ સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સતકાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સાથે સંબંધિત પરંપરા બની ગઇ.

આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજવી ચિહ્નો લઇ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયાઓ પણ દર્શાવવામાં આવે છે.
 
આ સ્મારકોના ઉદાહરણો ભુચર મોરીના પાળિયાઓ અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.
 

સતીના પાળિયાઓ

આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે. સ્ત્રીઓ જે સતી અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેને સમર્પિત આ પાળિયાઓ છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.

 
આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ 45 કે 90 અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ સ્મારકો હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલ સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. 
કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઇ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવેલ છે.
 
આ સ્મારકોના ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાનો સમાવેશ થાય છે. તેઓ પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.

ખલાસીઓના પાળિયાઓ

ગુજરાત લાંબો દરિયાઇ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.

લોકસાહિત્યના પાળિયાઓ

અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ માટે આત્મહત્યા દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડનજીક ભુતવડ પર આવેલો વીર માંગરાનો પાળિયો છે.

પ્રાણીઓના પાળિયાઓ

પ્રાણીઓ જેવા કે ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

ક્ષેત્રપાળના પાળિયાઓ

ક્ષેત્રપાળ પાળિયાઓ ક્ષેત્રપાળ અથવા ક્ષેત્રપાળને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયાઓ પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે.

અન્ય જાણકારી

આ સ્મારકો લોકજીવન અને શિલાલેખોની માહિતી પૂરી પાડે છે. તેઓ સામાજિક માળખું છે જે સમાજના નાયકોની યાદ અપાવે છે. તેઓ મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજો ધરાવતી પ્રતિમાઓ છે, જે સદીઓથી સચવાયેલ છે. તે ભૂતપૂર્વ સમાજના રીત-રીવાજો, સંસ્કૃતિ અને માન્યતાઓની માહિતી પૂરી પાડે છે.

આ સ્મારકો પૂર્વજોની પૂજા સાથે સંકળાયેલા છે જેથી તેની સાથે સંકળાયેલ સ્થાનિક લોકસાહિત્યને ઓળખી શકાય છે અને તેનું દસ્તાવેજીકરણ થઇ શકે છે. તેઓ સાંસ્કૃતિક પરંપરાઓ જેમ કે સતીપ્રથા વિશે પણ માહિતી આપે છે. જે તે સમયગાળાના વસ્ત્રો, શસ્ત્રો અને વાહનો અંગે પણ માહિતી આપે છે. 
આ સ્મારકો સ્થળ અને વર્ષ જેવી માહિતી ધરાવતા હોવાથી ભાષાની ઉત્ક્રાંતિ અને સમય દર્શાવવાની પદ્ધતિ અંગેના સંશોધનમાં મદદરૂપ છે. કેટલીકવાર તેઓ ધાર્મિક મહત્વ ધરાવતા હોવાથી તેને કોઈ નુકશાન ન કરતા હોવાથી ખજાનો છુપાવેલી જગ્યાને અંકિત કરવા માટે પણ વપરાયા છે.
 
સ્રોત : wikipedia

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top