હાઈપરલૂપ આવી રહી છે – સુપરફાસ્ટ મુસાફરી

હાઈપરલૂપ - એલોન મસ્ક

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના વિચારાતી હતી ત્યારે આ કોલમ્માં આવી રહેલી હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજીની નોંધ લેવાઈ હતી. એમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો પ્રવાસ માત્ર 40 મિનિટની આસપાસમાં પૂરો થઈ શકશે એવું ઘણા માનવા તૈયાર ન હતા.

ટેક્નોલોજીની દુનિયામાં તરંગી અને આર્થિક બાબતોમાં ભેજાગેપ ગણાતા મશહૂર ઈલોન મસ્કે આ રેડિકલ એટલે કે સાવ અલગ કિસ્મની ટેક્નોલોજી ઈજાદ કરી છે. કેલિફોર્નિયામાં તેણે તે માટેના અતિ ખર્ચાળ પ્રયોગો પણ કર્યા અને સફળતા મેળવી. 

હંમેશાં તરંગી માણસો જ દુનિયાને કંઈક નવું આપી જતા હોય છે. મસ્કની કંપનીઓ સ્પેસએક્સ અને ટેસ્લા અનુક્રમે રોકેટ સાયન્સ અને સ્વચાલિત મોટરકારોની કેટલીક નવી ટેક્નોલોજીમાં પાયોનિયર છે. સ્પેસએક્સ દ્વારા એવાં રોકેટ્સ અને સ્પેસશિપોનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વારંવાર વાપરી શકાય. 

સ્વચાલિત ટેસ્લા કાર સાવ સફળ થઈ નથી છતાં ઘણી આગળ વધી છે, ટેસ્લા બેટરીથી ચાલતી કારોના નિર્માણમાં પણ આગળ છે. આ બધી યોજનાઓમાં મસ્ક નાણાં ગુમાવે છે અને મેળવે છે અને ગુમાવે છે તેની પરવા નથી.

હાઈપરલૂપ હવે સાકાર બની છે. દુનિયામાં યુરોપ અને અખાતનાં શહેરો અને ભારતમાં મુંબઈ-પૂણે વચ્ચે તે શરૂ થશે. તે માટેના કરારો પણ થયા છે. તે સામે બુલેટ ટેક્નોલોજી ખૂબ વામણી જણાશે.
બુલેટ ટ્રેન સ્થાપવામાં પણ કામકાજ આગળ વધી ચૂક્યું છે. જમીન સંપાદન થઈ રહી છે. 

તે 1500 થી 1600 મુસાફરો કલાકના 350 કિલોમીટરની ઝડપે એલિવેટેડ (એટલે જમીનથી ઊંચે થાંભલા પર બંધાયેલી) લાઈન પર દોડશે. ભારતમાં બુલેટ ટ્રેન પણ એક મોટો ચમત્કાર હશે, પણ
તેનાથી પણ ખૂબ મોટો ચમત્કાર હાઈપરલૂપ હશે. પ્રારંભમાં લોકો બુલેટ ટ્રેનમાં બેસવાથી ડરશે અને હાઈપરલૂપમાં ચોક્કસપણે ડરશે, કારણ કે વિમાન કરતાં પણ વધુ વેગથી દોડશે. 

અવાજની ગતિ કલાકના 1235 કિલોમીટરની હોય છે. હાઈપરલૂપ તેના નેવુ ટકાની ઝડપે લગભગ કલાકના 1100 કિલોમીટરની ઝડપે દોડશે. લોકો હજી વિમાનમાં ડરે છે પણ હાઈપરલૂપ એટલી
ડરામણી નહીં હોય.

ડીકમ્પ્રેસ્ડ એર (લગભગ શૂન્યાવકાશમાં) વાહન દોડે તો ઘર્ષણ સર્જાતું નથી અને વાહન કે વસ્તુ સોનિક (અવાજની) ગતિથી આગળ વધી શકે છે તે સિદ્ધાંત આજથી સો વરસ અગાઉ બ્રિટનના વિજ્ઞાની બ્રુનેલે શોધ્યો હતો. 

ઈલોન મસ્કે તેને અભરાઈ પરથી ઉતારી બીજી ટેક્નોલોજીઓનો સમન્વય કરી પ્રતિભાશાળી યુવાનોને તેમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. બીજા તરંગી અને નીડર ઉદ્યોગપતિ રિચર્ડ બ્રોન્સને
કોમર્શિયલ ધોરણે હાઈપરલૂપ યોજનાઓને આગળ વધારી છે. 

ઈલોન મસ્કે તેમાં કોમર્શિયલ હેતુ કે રસ દાખવ્યો નથી. બ્રોન્સને ‘વિરજિન હાઈપરલૂપ વન’ નામની કંપની શરૂ કરી છે. હજી દુનિયામાં હાઈપરલૂપની કોમર્શિયલ સેવાઓ ક્યાંય શરૂ થઈ નથી તેથી કોમર્શિયલ ધોરણે તે સફળ થશે કે કેમ તે શંકા છે. પણ ઈલોન મસ્કના કહેવા પ્રમાણે આ સૌથી સસ્તી, સૌથી ઝડપી ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી હશે. 

તેનું માળખું અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ટર બાંધવામાં સમય લાગે તેમ છે તેથી 2027 થી 2030 માં પ્રથમ સેવા શરૂ થશે તેવી ધારણા છે. બુલેટ ટ્રેન જમીન પર, ખાસ કરીને એલિવેટેડ માર્ગ પર દોડી શકે છે, કે જેથી વચ્ચે પશુ, પહાડોની શિલા જેવા અંતરાયો ન આવે,પણ હાઈપરલૂપ ભૂગર્ભમાં કે એલિવેટેડ, બંને માર્ગ પર શરૂ કરી શકાય. છતાં વધુ પસંદગી ભૂગર્ભ માર્ગને અપાશે.

અમેરિકાની વિરજિન હાઈપરલૂપ વન અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ની ‘ડીપી વર્લ્ડ’ કંપની મળીને આ પ્રોજેક્ટ વિકસાવશે. ચાર કલાકની રેલ અથવા રોડની મુસાફરી માત્ર 35 જેટલી મિનિટમાં પૂરી થશે. મહારાષ્ટ્ર સરકારે બિડ મંગાવીને આ બિલકુલ પ્રદૂષણરહિત અને સ્વયંચાલિત યોજનાને હરીઝંડી આપી છે.

તેમાં ડ્રાઈવર ભૂલ કરી બેસે તેવી કોઈ લગીર સંભાવના રહેશે નહીં, કારણ કે તેમાં ડ્રાઈવર જ નહીં હોય. અરબસ્તાનના રણમાં એલિવેટેડ લાઈન પર, જે નળાકાર પાઈપ (ટયૂબ) આકારની હોય છે ત્યાં પ્રયોગો થઈ રહ્યા છે, પણ મુંબઈ-પૂણે વચ્ચે તે ભૂગર્ભમાં બંધાશે. 

ભૂગર્ભમાં ઝડપભેર ટનલો (ટયુબ) ખોદી શકાય તેવાં વિશાળ ડ્રિલિંગ મશીનો પણ ઈલોન મસ્કની કંપનીએ તૈયાર કર્યાં છે તેથી ભૂગર્ભમાં માર્ગ બાંધવાનું આસાન બન્યું છે. જમીન પર તેને મોટી પહોળી પાઈપલાઈનમાં ગોઠવવી પડે.

આ ટયુબમાં સાવ શૂન્યાવકાશ સર્જવામાં નહીં આવે પણ હવાનું દબાણ સાવ ઘટાડી (ડિપ્રેશરરાઈઝ) દેવામાં આવશે. એ ટનલમાં એક કવચ જેવી કેબિન અથવા પોડની હારમાળા હશે
જે મેગ્નેટિક (ચુંબકીય) પાવર વડે થોડી અધ્ધર લટકતી હશે જેથી તેનું કોઈ સાથે ઘર્ષણ ન થાય. 

તેને એન્જિન, પૈડાં કે સરકવા માટે પાટા નહીં હોય. પણ એ પોડ (સંપુટ) અથવા કેબિન સાથે પાંચ હજાર હોર્સપાવરની ઈન્ડક્શન મોટર જોડેલી હશે, જે પોડને આગળ ધક્કો મારશે. આ
લટકતા સંપુટમાં યાત્રીઓ સલામતપણે બેસે તેવી વ્યવસ્થા હશે. 

વિમાનમાં હોય છે એ રીતનું હવાનું દબાણ તેમાં હશે. આ બધા પોડ એકમેકથી અલગ અથવા સ્વતંત્ર હશે અને ટ્રેનના ડબાની માફક જોડાયેલા નહીં હોય. રોપ-વેમાં લટકતી કેબિનોની માફક દૂર દૂર હશે. તેમાં હવાનું યોગ્ય દબાણ જળવાઈ રહે તે ખાસ જરૂરી હશે. 

કારણ કે આટલી ઝડપમાં ખાસ વાતાવરણ બનેલું ન રહે તો જોખમી પુરવાર થાય. ડરવા માટે આ એક જ નજીવું કારણ બચે છે, પણ કેબિનો એરટાઈટ સીલ થયેલી હશે અને સંકટના સમયે ઓક્સિજનની વ્યવસ્થા હશે. વળી પ્રવાસનો સમય ખૂબ ટૂંકો હશે. 

મુંબઈમાં એક ભોંયરામાં દાખલ થાઓ અને પોણી કલાક બાદ અમદાવાદના બીજા ભોંયરામાંથી બહાર નીકળો એ વાત જ કલ્પાતીત લાગે. પણ તે માટે અબજો ડોલર ખર્ચાઈ રહ્યા છે તેથી
માનવી પડે.

આ પોડ ચુંબકીય અથવા મેગ્નેટિક શક્તિ વડે હવામાં લટકતા હશે. મેગ્નેટિક લેવિટેશનવાળી, પૈડાં અને ઘર્ષણરહિત રેલવે જપાનમાં છે, પણ તેની ઝડપ પણ 300 થી 400 કિલોમીટર સુધી સીમિત છે. આ ટેક્નોલોજી મેગલેવ તરીકે ઓળખાય છે પણ હાઈપરલૂપ તેનાથી થોડી અલગ છે.

હાઈપરલૂપ ભૂગર્ભમાં હોય તેથી કોઈ અવરોધ નહીં નડે. વળી તમામ પોડ એક જ દિશામાં સરકતા હશે તેથી આપસમાં ટકરાવાનો કોઈ ભય રહેતો નથી. 

તેનું સંચાલન ઓટોમેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ વડે થશે. આ પદ્ધતિ હાલમાં દિલ્હી, બેંગલુરુ, કોચી અને મુંબઈની મેટ્રો રેલવેમાં ઓલરેડી વપરાશમાં છે. 

દાખલા તરીકે મુંબઈ કે દિલ્હીની બે મેટ્રો ટ્રેન વચ્ચે બે કે ત્રણ મિનિટનું અંતર રશઅવર વખતે રખાય છે, પરંતુ કોઈ ટેક્નિકલ ખામીને કારણે અધવચ્ચે કોઈ ટ્રેન અટકી પડે તો તે પાટા પર દોડતી
બાકીની બધી ટ્રેનો ક્યાં તો અટકી જાય છે, અથવા ખૂબ ધીમી ગતિથી આગળ વધે છે. હાઈપરલૂપના પોડ અથવા કેબિનો પણ આ રીતે જ કામ કરશે.

જ્યારે કેબિનોમાં પેસેન્જર બેસી જાય પછી એક પછી એક કેબલ કારની માફક તે રવાના થશે તેથી સ્ટેશનો પર ખૂબ લાંબી રાહ જોવી નહીં પડે. બે પોડ વચ્ચે સલામત અંતર રાખી હળવે હળવે ગતિ તેજ થશે, જેથી મુસાફરોને આંચકો ન લાગે. રસ્તામાં પોડને કોઈક કારણસર અટકવું પડયું તો તે સિસ્ટમને જાણ કરશે. 

સિસ્ટમ પાછળના બીજા પોડને પણ અટકાવી દેશે અથવા ધીમા પાડશે. એવી વ્યવસ્થા પણ હશે જેમાં દૂરથી ઓપરેટ કરીને અનેક પોડને એક ટ્રેનની માફક જોડીને આગળ વધારી શકાશે. એવી મોટી રેલને ચોક્કસ નિર્ધારિત સમયે છોડી શકાય, પરંતુ નાના પોડ વારંવાર રવાના કરી શકાય. 

એક અંદાજ પ્રમાણે હાઈપરલૂપ વડે એક કલાકમાં 16 (સોળ) હજાર પેસેન્જરોનું એક દિશામાં સ્થળાંતર (પ્રવાસ) કરી શકાય. આ સિસ્ટમ વડે સામાન પણ મોકલી શકાય અને તેમાં હવાના દબાણની માથાકૂટ નહીં રહે. કેરીનો રસ સાદા ડબામાં અમદાવાદથી મુંબઈ મોકલી શકાય. બીજી કોઈ રીતે મોકલો તો સો ટકા બગડી જાય.

મુંબઈ અને પૂણે વચ્ચેના માર્ગની કેટલીક મુસીબતોને ધ્યાનમાં લઈએ તો સલામતી માટે હાઈપરલૂપને અર્ધી અથવા અરધાથી થોડી વધુ ઝડપે દોડાવવાનું યોગ્ય હશે. 

અચાનક ઝડપને કારણે ગુરુત્વાકર્ષણનો જે ધક્કો (જી-ફોર્સ) લાગે તે 0.2 ની માત્રામાં અનુભવાશે. બીજા શબ્દોમાં કહીએ તો હાલની સામાન્ય ટ્રેનોમાં જેટલો આંચકો લાગે છે એટલો જ હાઈપરલૂપ
સ્ટાર્ટ થશે ત્યારે લાગશે. વળી, તેમાં થડકો કે હાલકડોલકનો અનુભવ બિલકુલ નહીં થાય. 

તમે ઘરમાં બેસીને પીતા હોવ એ રીતે ચા કે કોફી પી શકશો. કંપનીઓ આ કહે છે તે માનવા જેવું પણ છે. જપાનની બુલેટ ટ્રેન માત્ર બે મિનિટમાં ઝીરોથી 300 કિલોમીટરની ઝડપ પકડે
છે, પણ ગ્લાસમાંનું પાણી હલતું નથી, તો પેટનું ક્યાંથી હલે? વિમાન કંપનીઓએ અને રેલવેએ ચિંતા કરવાનું રહેશે. 

પણ તે માત્ર મેટ્રો સ્ટેશનો વચ્ચે. દરેક ગામો કે શહેરોને લૂપમાં જોડવાનું શક્ય નહીં હોય. છતાં નવી પેઢી માટે સારો સમય આવી રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top